Friday, January 6, 2012

ક્યાં છે ?


તું મને કદર ના આપે, તો ફરિયાદ ક્યાં છે ?
જેની માટે જાત ઘસી તેને પણ યાદ ક્યાં છે ?

મોટપણે મૂંઝાયે, પાછું વળી જોઈએ પણ,
શાયર માગી મર્યો, એ "બચપણ નો વરસાદ" ક્યાં છે ?

સામે હસ્યા, પાછળ ભસ્યા, આ મિત્રતાના રંગ;
"તને સાંભરે, મને કેમ વિસરે ?", એવો સંવાદ ક્યાં છે ?

ચિચિયારી ને ચીસોએ ઘેર્યું આખું મન,
અંદર થી ડોલાવે એવો નાદ ક્યાં છે ?

ક્યારેક ખેંચે લાંબું, ક્યારેક ટૂંકમાં પતાવે,
પણ શમવા સારું થાય શરુ, એવો વિવાદ ક્યાં છે ?

જાતિ - પાતી વાદ જોયા, ને જોયા છે કોમવાદ,
એલા, બે અજાણ્યાને ભેગા કરે, એવો વાદ ક્યાં છે ?

દાનવની દુનિયામાં અવતરવા, નરસિંહ બેઠા વાટે,
લાલચોળને અંગ લગાડે, એવો પ્રહલાદ ક્યાં છે ?

ઝખ્મો કાયમ રહે લીલા ને સરે છે લોહીના આંસુ,
પેલો, "દર્દ જ બને દવા", તેવો વિષાદ ક્યાં છે ?

તારી રહે બેસું છું, ને સમય સરી જાય છે,
કો'ક દી' મારી વાટેય બેસું, એવો "પ્રમાદ" ક્યાં છે ?

નભ પર આજ દિન લગી, જોયું છે ઘાયલ મૃગ,
એક જ બાણ, ને મુક્તિ આપે એવો વ્યાધ ક્યાં છે ?

સૌને સાંભળ્યા, સૌની માટે તાળીઓ બજાવી છે,
મારી વાત સંભાળવા કાજે, મારું પણ ઈર્શાદ ક્યાં છે ?

ખાધું, પીધું ને "રાજ" કર્યું, ને વાર્તા થાય છે પૂરી,
કાલે પાછી સંભાળવું ? એવી દાદ ક્યાં છે ?

No comments:

Post a Comment