Saturday, October 15, 2011

સર્જન: ફક્ત અભિવ્યક્તિ નહિ, પણ વિશેષ...



કેવું સારું લાગે જો આપણું બનાવેલું - અથવા એવો દાવો કરી શકાય - લોકો જોવે અને એનાથી પણ વધુ સારું
 લાગે જો તરત જ પ્રતિભાવ પણ મળે. એ પણ હકારાત્મક હોય તો સૌથી સારું.

આ બધું એકસાથે મેળવવાનો સાંપ્રત અને સરળ રસ્તો છે ઈન્ટરનેટ વેબ લોગ એટલે ટૂંક માં બ્લોગ. 
ઈન્ટરનેટ પર શરુ થયેલી આ બ્લોગ-બ્રિગેડમાં હું પણ જોડાઈ ગયો.

સમયની ખેંચ અને નબળા થતા સંબંધોના ખેંચાણને કારણે બધા સાથે વાત કરવાનું શક્ય નથી, બધી વાત કરવાનું શક્ય નથી. કદાચ અભિવ્યક્તિની અને પ્રતિભાવની સરળતાને લીધે આ માધ્યમ આટલું અસરકારક, આટલું લોકપ્રિય - લોકભોગ્ય બન્યું છે.

મારે પણ કશું કહેવું છે અને ઉપરોક્ત કારણોસર મેં પણ આ જ માધ્યમ પસંદ કર્યું છે. મારા વિચારો, બીજાના - પણ સારા લાગ્યા હોય તેવા - વિચારો, ઉક્તિઓ, તથ્યોનો એક સમૂહ, અલગ અલગ લેખના ભાગરૂપે પ્રસ્તુત કરવા ધારું છું. અહી એક મર્યાદા પણ છે કે, અપેક્ષા લઇને આવેલા વાચકોને જે કંઈ મળશે એ મારા રસનું, મારા મર્યાદા મુજબનું અને મને આનંદ આપે તેવું હશે. મને જાણવા ઈચ્છતા લોકો (૧-૨ હશે મારી સહીત)ને પણ કદાચ નિરાશા મળે કેમ કે બ્લોગ મોટાભાગે એક મુખોટાનું કામ કરી જાણે છે. જે લોકો અસલ જીવનમાં ના કરી શકે કદાચ તેને જ અહી માણે છે. હું મોટેભાગે, છતાં, પ્રમાણિક રહેવા પ્રયત્ન કરીશ.

એક ધારણા લગભગ બધાની ખોટી પડશે કે અહી કૈંક સર્જનાત્મક વસ્તુ મળશે, કેમ કે, અહીંયા હું નવું સર્જન કરવા નથી આવ્યો. અહીં મને ગમતા નો ગુલાલ થશે. હા, મારા તરફથી કૈક નવું મુકવાનો પ્રયત્ન કરીશ પણ તેને "સર્જન" કહેવું એ વહેલું કે વધારે પડતું ગણાશે.

શ્રી રમેશ પારેખ કહી ગયા છે કે, "શબ્દો હાથવગા હોવાથી લખવું સહેલું થઇ પડે છે પણ સર્જન તો અંતર નો ઉર્મિનાદ છે, જો હૃદયમાથી નીકળે તો જ હૃદય સુધી પહોંચે છે."


... અને વળી સર્જન કઈ થોડું આપની મુન્સફીનું મોહતાજ છે ? અ તો એને આવવું હોય તો જ આવે.

શ્રી વેણીભાઈ પુરોહિત એકવાર લોકલ ટ્રૈનમાં જતા હશે. અચાનક સાથે આવતા મિત્રને  કહ્યું કે, "હવે મારે લખવું પડશે, હું ગાભણો થયો છું."

સમાંતર ભાવના અને વિભાવના  શ્રી રાસબિહારી બાબુની પણ ખરી. જાપાનમાં અડધી રાતે સુભાષબાબુને ઉઠાડીને કહેલું કે, "ઉઠો, જુઓ, મેં એક કવિતા જણી છે."


... એટલે, સર્જન તો તમને અહીં કદાચિત મળે પણ આનંદ તો મળશે જ.

No comments:

Post a Comment